🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
વળી એક સમયે ભક્તિમાતા રામપ્રતાપભાઈ પ્રત્યે બોલ્યાં જે, હે રામપ્રતાપભાઈ ! આપણા ઘરમાં રસોઈ કરવા માટે બે ચાર દિવસ ચાલે તેટલાં લાકડાં છે પરંતુ વધારે નથી. અને વરસાદ હવે થોડા દિવસમાં આવશે તો ચોમાસામાં શું બાળીશું? ત્યારે બોલ્યા જે, દીદી ! તમો કાંઇ ફીક્કર કરશો નહિ. અમો વરસાદ આવ્યા પહેલાં લાવી આપીશું. પરંતુ હાલમાં મારે કારણ વશાત્ તરગામ જવું છે. આવીને લઇ આવીશ. એમ કહીને સર્વે સાથે જમવા બેઠા. તે જમીને ચળુ કરીને પોતે એકલા જ પોતાના સસરાનું ગામ જે તરગામ ત્યાં જઇને થોડાક દિવસ રહીને જ્યારે પાછા વળવાના થયા ત્યારે, પોતાની સાસુએ રસ્તામાં ટીમણ કરવા સારૂં સાથવો તથા પૌઆ અને ખાંડ તથા દહીંનું ભરેલું એક ગોરસ. એવી રીતે આપીને તે સામાન એક ભોઈ પાસે ઉપડાવીને સાથે મોકલતાં હતાં, પછી ત્યાંથી ચાલ્યા તે વચ્ચે મનોરમા નદીમાં સ્નાન કરીને સર્વે સામાનનું ટીમણ કરીને ભોઇને પાછો મોકલ્યો અને થોડો સમય વિશ્રામ કરીને ચાલ્યા, વચ્ચે આવતાં મોટું સુકાયેલું મહુડાનું થળ પડેલું હતું તેને જોઈને પોતે વિચાર કર્યો જે, આ થળને જો હું ઘેર લઈ જાઉં. તો એક વર્ષ દહાડા સુધી તો શું, પણ કેટલાંય વર્ષ સુધી લાકડાં રસોઈ કરવા ચાલશે. એમ વિચાર કરીને ઘેર આવીને ચોકીયું ગાડું જોડાવીને ત્યાં આવી, ગાડાં ઉપર લાકડું ચઢાવવા માંડયું પરંતુ ચઢ્યું નહીં. ઘણી મહેનત કરી પરંતુ કાંઇ ન ચાલવાથી નિરાશ થઇને બેઠા અને એમ બોલ્યા જે, ઘણા માણસોનું આ કામ હતું અને મેં બોલાવ્યા નહી. હવે આ વનમાં શું થશે ? એમ ચિંતા કરતાં પોતાના શરીરે પરસેવો બહુ વળ્યો, તે વખતે ઘનશ્યામ મહારાજની ઇચ્છાથી આકાશવાણી થઇ જે, હે રામપ્રતાપજી ! તમો તો સાક્ષાત્ શેષનારાયણનો અવતાર છો. અને આ સમગ્ર પૃથ્વીને તમો તમારા મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છો. અને આ વૃક્ષને તમો કેમ ઉપાડી શકતા નથી ? એવું સાંભળીને તત્કાળ પોતાના શરીરમાં અતિશે જોર આવ્યું જે, હુંતો સંકર્ષણ છું અને મારે આવું લાકડું ઉપાડવું તે શી ગણનામાં છે ? એમ વિચાર કરી પોતે તત્કાળ ઉભા થઈને પોતાના જમણા ખભા ઉપર તે લાકડું ઉપાડી ચડાવી દેતા હતા. પછી ત્યાંથી ચાલ્યા તે પોતાના ઘેર આવીને આંગણામાં તે લાકડાંને નાખતા હતા. તે જોઈને સર્વે બોલ્યા જે, અહો હે ભાઇ ! તમો આવાં મોટાં લાકડાંને ક્યાંથી લાવ્યા ? ત્યારે કહ્યું જે, અમારાં દીદીને રસોઇ કરવા બળતણ થઈ રહ્યું હતું. તેથી મનોરમા નદીના વનમાંથી અમો લાવ્યા છીએ. તેવું સાંભળીને સર્વે જનો મહા આશ્ચર્ય પામતાં હતાં.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ